આજે NEETની પરીક્ષા યોજાશે, 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

દેશમાં UG મેડિકલ અને ડેન્ટલ માટેની NEETની પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે, પરીક્ષામાં પેપર મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું

આજે ગુજરાત સહિત દેશભરમાં UG મેડિકલ અને ડેન્ટલ માટેની NEETની પરીક્ષા યોજાશે. આજે એટલે કે રવિવારે NEETની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે. વિગતો મુજબ દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે. નોંધનિય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા લેવામાં આવશે. મહત્વનું છે કે, આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે.

ગુજરાત સહિત દેશભરમાં UG મેડિકલ અને ડેન્ટલ માટેની NEETની પરીક્ષાનું સૌપ્રથમવાર સરકારી સંસ્થાઓમાં જ આયોજન કરાયું છે. કોઈ ગેરરીતિ ના થાય તે માટે સરકારી સંસ્થાઓમાં પરીક્ષા યોજાશે, જેમાં ખાસ કરીને સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ-ડિટેક્ટરથી ચેક કરાશે. આ સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે તે પહેલા તેમનું ફિઝિકલ ચેકિંગ થશે. મહત્વનું છે કે, પરીક્ષામાં પેપર મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું છે.

NEET UG 2025 પરીક્ષા આજે એટલે કે, 4 મે 2025ના રોજ યોજાવાની છે. આ પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી પેન-એન્ડ-પેપર મોડમાં લેવામાં આવશે. આ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 20 લાખથી વધુ ઉમેદવારો બેસવાના છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાના દિવસ માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ડ્રેસ કોડ, રિપોર્ટિંગ સમય અને પરીક્ષા કેન્દ્ર પર પ્રતિબંધિત વસ્તુઓની યાદીનો સમાવેશ થાય છે.

પરીક્ષા આપનારા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના પરીક્ષા કેન્દ્રો પર ખૂબ વહેલા પહોંચી જાય, જે બપોરે 1:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ સંજોગોમાં મોડા આવનાર ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલા માટે વિદ્યાર્થીઓને તેમના મુસાફરીના સમય, હવામાનની સ્થિતિ અને સંભવિત ટ્રાફિક વિલંબને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરવા કહેવામાં આવ્યું છે.