સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપને લઈને મોટું અપડેટ, ચાહકોમાં હલચલ

પહેલગામ હુમલાની ક્રિકેટ પર પણ અસર પડવાની પૂરી સંભાવના છે કારણ કે એશિયા કપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

એશિયા કપ 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપ પર ‘ટળવા’ના વાદળો ઘેરાયાં છે.પહેલગામ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ બન્યાં છે અને એશિયા કપ રદ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, એશિયા કપ, જે તટસ્થ સ્થળે રમાવાનો છે, તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ શ્રેણી પછી તરત જ યોજાવાનો છે. હજુ સુધી કોઈ સ્થળ નક્કી થયું નથી પરંતુ જાણનારા લોકો કહે છે કે એશિયા કપ મોકૂફ રાખી શકાય છે કારણ કે હાલના સમયે બન્ને દેશો ક્રિકેટ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત બાંગ્લાદેશના આગામી વ્હાઇટ-બોલ પ્રવાસને પણ છોડી શકે છે. આ વાત બાંગ્લાદેશના નિવૃત્ત સૈન્ય અધિકારી મેજર જનરલ (નિવૃત્ત) એએલએમ ફઝલુર રહેમાને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર કબજો કરવા અંગેની ટિપ્પણી બાદ મોટો વિવાદ ઉભો કર્યો હતો.

હાલની પરિસ્થિતિને કારણે ભારત ODI અને T20I માટે બાંગ્લાદેશનો પ્રવાસ ન કરે તેવી ઉજ્જવળ શક્યતા છે. આગામી એશિયા કપની તારીખો અને સ્થળ હજુ સુધી નક્કી થયું નથી, અને જો ટુર્નામેન્ટને લીલીઝંડી મળે છે, તો તે હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાશે. ભારત એશિયા કપનું યજમાન હોવાથી, પાકિસ્તાન પોતાની મેચ શ્રીલંકા અથવા યુએઈમાં રમી શકે છે.

22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં આતંકીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. આતંકીઓ હજુ સુધી પકડાયાં નથી. હુમલા બાદ ભારતે પણ અનેક પગલાં ભર્યાં હતા.