બાબર, રિઝવાન અને શાહીન આફ્રિદી સહિત પાકિસ્તાની ક્રિકેટર્સના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતમાં રોક

ભારત સરકારે પાકિસ્તાન પર તમામ પ્રકારના પ્રતિબંધો મૂકવાના ક્રમમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે

પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારત સરકારે પાકિસ્તાન પર તમામ પ્રકારના પ્રતિબંધો મૂકવાના ક્રમમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારતે તાજેતરમાં જ પાકિસ્તાનના અનેક મોટા ખેલાડીઓ, નેતાઓ, સંસ્થાઓના યુટ્યુબ ચેનલ ભારતમાં બંધ કરી દીધા છે અને હવે અનેક દિગ્ગજ ખેલાડીઓના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના આદેશ બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan), બાબર આજમ (Babar Azam) અને શાહીન આફ્રિદી (Shaheen Afridi)ના ઈન્ટ્રાગ્રામ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવાયા છે. આ ખેલાડીઓના ભારતમાં અનેક ફોલોઅર્સ છે. જોકે પહલગામ હુમલા બાદ ભારતે હવે પાકિસ્તાની ક્રિકેટરોને મોટો ઝટકો આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. હુમલા પાછળ પાકિસ્તાનમાં બેઝ ધરાવતા લશ્કર-એ-તોઈબાનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, 26 લોકોના મોત છતાં પાકિસ્તાની ક્રિકેટરોએ નફ્ફટાઈની હદ વટાવી ભારતની મજાક ઉડાવી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાની ક્રિકેટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાના શરૂ કરી દીધા છે. શોએબ અખ્તર, બાસિત અલી, પાકિસ્તાની ન્યૂઝ ચેનલ, પાકિસ્તાનના સ્પોર્ટ્સ યુટ્યુબ ચેનલના યુટ્યુબ એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે. 

પહલગામ હુમલા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીએ આતંકી હુમલાની ટીકા કરવાની જગ્યાએ ભારત પાસે જ પુરાવા માગ્યા હતા. એક વાઈરલ વીડિયોમાં પાકિસ્તાનને દોષિત ઠેરવવા બદલે આફ્રિદીએ ભારતની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતના આરોપો પાયાવિહોણા છે અને કોઈપણ પ્રકારની તપાસ વગર ઉતાવળે પાકિસ્તાનને દોષિત ઠેરવાઈ રહ્યું છે. 

પહલામમાં આતંકી હુમલાને લઈને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘જો પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, તો વડાપ્રધાન શહબાઝ શરીફે હજુ સુધી કોઈ નિંદા કેમ નથી કરી? તમારી સેના અચાનક હાઈ ઍલર્ટ પર કેમ છે? કારણ કે અંદરથી તમે હકિકત જાણો છો. તમે આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છો અને પોષણ આપી રહ્યા છો. તમને શરમ આવવી જોઈએ.’