ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં

અમેરિકાની ધમકી છતા ઇંદિરાએ 1971માં પાક.ના બે કટકા કરી નાખેલા તે આક્રામકતા યાદ કરાઇ1971 અને હાલની સ્થિતિ વચ્ચે મોટું અંતર, આપણા માટે શાંતિ જરૂરી હતી : કોંગ્રેસ નેતા થરૂર
Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ થઇ ગયો છે. સીઝફાયર એટલે કે શસ્ત્રવિરામની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર લોકો પૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને યાદ કરવા લાગ્યા હતા. 1971ના યુદ્ધમાં પાક.ના બે ભાગલા પાડનારા ઇંદિરા ગાંધીને યાદ કરીને લોકોએ તેમના વખાણ કર્યા હતા. એક્સ (ટ્વિટર) પર સીઝફાયર બાદ બીજા ક્રમે ઇંદિરા ગાંધી ટ્રેન્ડ ચાલ્યો હતો અને લોકોએ ઇંદિરાને આયર્ન લેડી તરીકે યાદ કર્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં ત્રીજા દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા કેમ સ્વીકારવામાં આવી તેવા સવાલો સાથે લોકોએ ઇંદિરા ગાંધીને યાદ કર્યા હતા. 1971ના યુદ્ધ સમયે અમેરિકાએ ભારતને પરમાણુ હુમલા સુધીની ધમકી આપી દીધી હતી, તેમ છતા ઇંદિરા ગાંધીએ યુદ્ધ શરૂ રાખીને પાક.ના બે ભાગલા પાડી એક નવો દેશ બાંગ્લાદેશ બનાવ્યો હતો. એટલુ જ નહીં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિને મળવા માટે લાંબો સમય સુધી બેસાડી રાખ્યા હતા.
હાલ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી ભારત અને પાકિસ્તાને યુદ્ધ અટકાવ્યું હોવાના આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોએ ઇંદિરા ગાંધીના તે સમયના આક્રામક વલણને યાદ કર્યું હતું. પાંચ લાખ જેટલી પોસ્ટ થઇ હતી જ્યારે આયર્ન લેડી પણ ટ્રેન્ડ થયું હતું. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓએ ૧૯૭૧ના યુદ્ધ સમયની ઇંદિરા ગાંધીની તસવીરો વાયરલ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રિનાતે ઇંદિરાની તસવીર સાથે એક પોસ્ટ ટ્વિટ કરીને કહ્યું હતું કે ઇંદિરા ગાંધી થવું સહેલુ નથી. સુરેન્દ્ર રાજપુતે લખ્યું હતું કે એમ જ કોઇ ઇંદિરા ગાંધી નથી બની જતું. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે ઇંદિરા ગાંધીએ ૧૯૭૧ના યુદ્ધ સમયે અમેરિકાને કહી દીધુ હતું કે કોઇ દેશ ભારતને આદેશ આપવાનું સાહન ના કરે. ઇંદિરા ગાંધીને લઇને એક્સ (ટ્વિટર) પર પાંચ લાખથી વધુ પોસ્ટ થઇ હતી.
બીજી તરફ કોંગ્રેસના વરીષ્ઠ નેતા શશિ થરુરે કહ્યું હતું કે આપણે હાલના પાક. સાથેના ઘર્ષણમાં એવી સ્થિતિ પર પહોંચી ગયા હતા કે જ્યાંથી પાછા વળવુ મુશ્કેલ થઇ શકે તેમ હતું, આપણા માટે શાંતિ મહત્વની છે. વર્ષ ૨૦૨૫ની પરિસ્થિતિઓ વર્ષ 1971 જેવી નથી, બન્ને વચ્ચે અંતર છે. સરહદી વિસ્તારોના લોકોને પૂછો કે તેઓ કેવુ સહન કરી રહ્યા છે. કેટલા લોકો મોતને ભેટયા છે. હું નથી કહેતો કે યુદ્ધ રોકો પણ જ્યારે યુદ્ધ શરૂ રાખવાની જરૂર પડે ત્યારે શરૂ રાખવું જોઇએ. આપણે આતંકીઓને પાઠ ભણાવવો હતો જે કરી દીધું.