અમદાવાદથી 150 નકલી ટિકિટ ઝડપાઈ, ચાર ગુનેગારોની ધરપકડ

ICC મેન્સ વર્લ્ડ કપની એક ખૂબ જ મહત્વપૂર્ણ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચને લઈને ચાહકોમાં અદ્ભુત ગાંડપણ જોવા મળી રહ્યું છે. ગાંડપણની સ્થિતિ એવી છે કે થોડા મહિનાઓ પહેલા જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં યોજાશે તેવી જાહેરાત થઈ ત્યારથી જ અમદાવાદની તમામ હોટેલો ફુલ થઈ ગઈ છે. હોટેલો તો ઠીક પણ લોકો હોસ્પિટલ પણ બુક કરાવા લાગ્યા છે. આ ક્રેઝનો લાભ લેવામાં કોઈ પણ પાછળ રહેવા માંગતું નથી. ત્યારે અમદાવાદ પોલીસે આ મેચની 150 નકલી ટિકિટો જપ્ત કરી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટ દરેક ચાહક મેળવવા માંગે છે. આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકોની બેઠક ક્ષમતા છે. આમ છતાં ટિકિટ માટે લડાઈ ચાલી રહી છે. આનો ફાયદો ઉઠાવવા અને ક્રિકેટ ચાહકોને છેતરવા માટે કેટલાક લોકોએ પોતાની નકલી દુકાનો ઉભી કરી છે.

ભારત-પાકિસ્તાનની અમદાવાદની મૅચ પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મેચની ટિકિટોમાં ગફલા કરનાર 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટીમે દરોડા પાડ્યા બાદ મેચની 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ હાથે લાગ્યા છે. એટલું જ નહીં આરોપીઓએ રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ પણ કરી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો પણ હાથે લાગી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ઝેરોક્ષની દુકાનમાંથી તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે 108 ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા 24 પેજ, રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીમે આ મામલે કાર્યવાહી કરી 4 વ્યક્તિઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.