નેતન્યાહુએ PM મોદીને ફોન કરી ઈઝરાયેલની સ્થિતિ વિશે જાણકારી આપી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કહ્યું છે કે, નેતન્યાહૂએ વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત દરેક સ્વરૂપે આતંકવાદની નિંદા કરે છે. ભારત આ સમયે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે.
પીએમ મોદીએ પોસ્ટ કર્યું, “હું વડા પ્રધાન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ્સ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂત રીતે ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સ્પષ્ટપણે નિંદા કરે છે.”
અગાઉ, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિપક્ષના વર્તમાન નેતા યાયર લેપિડે સોમવારે તેમના દેશ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાઝા પર શાસન કરતા પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે શનિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણ ભાગો પર અચાનક અને અભૂતપૂર્વ હુમલો કર્યો. આ પછી ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટી પર અનેક હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી.
હમાસના હુમલા બાદ ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ શનિવારે કહ્યું હતું કે, “ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી હું આઘાતમાં છું. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતોના પરિવારો સાથે છે. અમે ઈઝરાયેલ સાથે આ મુશ્કેલ સમય સાથે ઊભા છીએ.