ફરી મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ઉભો થયો

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. તાજેતરમાં જ યાત્રાધામમાં મોહનથાળના પ્રસાદને લઈને મોટો વિવાદ થયો હતો. ત્યાર બાદ સરકાર શ્રદ્ધાળુઓ સામે ઝુકી હતી અને મોહનથાળ તથા ચીક્કી બંને પ્રસાદી આપવાનો નિર્ણય લેવાયો હતો.યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.ફૂડ વિભાગે લીધેલા આ સેમ્પલ ફેઈલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતાં.

મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે.મોહિની કેટરર્સના મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, ભાદરવી પુનમ દરમિયાન 4600 ડબ્બા બનાસ ડેરીનું ઘી વાપર્યું હતું. ઘીની શોર્ટેજ ઉભી થતાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતું. ઘીના ડબ્બા પર અમૂલનો માર્ક, અમૂલનો બેચ નંબર પણ છે. ઘીના નમૂના ફેઇલ આવતાં તત્કાલીક બનાસ ડેરીમાંથી શુદ્ધ ઘી ખરીદવામાં આવ્યું હતું. પરંતુ નીલકંઠ ટ્રેડર્સ પાસેથી આવેલા ઘીમાંથી કેટલો પ્રસાદ બન્યો તેની મને જાણ નથી.

આ મામલે બનાસકાંઠાનાં કલેકટર વરુણ કુમારે જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવતો હોય છે. આ માટે ઘીનો મોટો જથ્થો ઉપયોગમાં લેવાય છે. તેનું કામ એજન્સીને સોંપવામાં આવતું હોય છે. 28 ઓગસ્ટનાં રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું.