કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ

Kedarnath Dham: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે પોલીસ તેમજ વહીવટીતંત્ર સતત જાગૃત કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. તાજેતરનો જ કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે. હેલિકોપ્ટર બુકિંગના નામે આંધ્રપ્રદેશના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે એક ટ્રાવેલ એજન્સી દ્વારા ચારધામ યાત્રાનું બુકિંગ કરાવ્યું હતું. યાત્રાના પેકેજમાં કેદારનાથ ધામની હેલિકોપ્ટર ટિકિટ પણ શામેલ હતી, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે તેને ટિકિટ માટે વધારાના પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આટલી રકમ ચૂકવ્યા પછી પણ તેને હેલિકોપ્ટરની ટિકિટ ન મળી. રૂદ્રપ્રયાગ પોલીસે શ્રદ્ધાળુઓની ફરિયાદ પર કેસ દાખલ કર્યો છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે કેદારનાથના દર્શન કરવા આવેલા આંધ્રપ્રદેશના રહેવાસી પેન્ટા રત્નાકરે ગુપ્તકાશી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. તેમણે કહ્યું કે, ‘હું મારા ગ્રુપ સાથે ચારધામ યાત્રા માટે આવ્યો હતો. મેં દિલ્હી સ્થિત સહારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ એજન્સી દ્વારા ચારધામ યાત્રા પેકેજ બુક કરાવ્યું હતું. આમાં કેદારનાથ ધામની હેલિકોપ્ટર યાત્રાનો સમાવેશ થતો હતો. પેકેજમાં પ્રતિ ટિકિટનો 15,000 રૂપિયા ચૂકવવામાં આવ્યો હતો.’
પ્રતિ વ્યક્તિ 30 હજાર રૂપિયા માંગ્યા
રત્નાકરે જણાવ્યું કે, ‘જ્યારે તેઓ ગંગોત્રી ધામની મુલાકાત લીધા પછી ગુપ્તકાશી પહોંચ્યા ત્યારે ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા લોકોએ તેમની પાસે કેદારનાથ ધામની હેલિકોપ્ટર ટિકિટ માટે પ્રતિ વ્યક્તિ 30 હજાર રૂપિયા વધારાના માંગ્યા. મજબૂરીમાં અમે આ રકમ પણ આપી દીધી. બીજા દિવસે સવારે જ્યારે તેઓ કેદારનાથ જવા માટે તૈયાર થયા ત્યારે તેમને કોઈ હેલિકોપ્ટર ટિકિટ આપવામાં ન આવી. એજન્સીના લોકો ત્યા હાજર પણ નહોતા અને તેઓએ અમારો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. એ પછી અમે પોલીસનો સંપર્ક કર્યો અને છેતરપિંડીની જાણ કરી છે.’
FIRમાં આ ત્રણ લોકોના નામ
પેન્ટા રત્નાકરની ફરિયાદ પર ગુપ્તકાશી પોલીસ સ્ટેશને કેસ નોંધાવ્યો હતો. એફઆઈઆરમાં દિલ્હીના રહેવાસી મનીષ કુમાર, આશિષ અને ઓડિશાના રહેવાસી પોત્નોરુ રામારાવના નામ છે. પોલીસે એક અજાણી હેલિકોપ્ટર સેવા કંપની સામે પણ કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં નાયબ પોલીસ અધિક્ષક વિકાસ પુંડિરે જણાવ્યું હતું કે પીડિતોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, શું આ એજન્સીએ અન્ય શ્રદ્ધાળુઓ સાથે પણ છેતરપિંડી કરી છે કેમ?
IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર કરાવો બુકિંગ
જો તમે પણ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો સોશિયલ મીડિયા પર જોઈને ટિકિટ બુક ન કરાવશો. આકર્ષક ઓફર આપતી જાહેરાતો પર ક્લિક પણ ન કરશો. માત્ર https://heliyatra.irctc.co.in પરથી ટિકિટ બુક કરો.