શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સરકારે અવામી લીગ પાર્ટી પર લગાવ્યો પ્રતિબંધ

Awami League Party: બાંગ્લાદેશની વચગાળાની સરકારે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. બે દિવસ પહેલા મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે પાર્ટીની તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમે મીડિયાને જણાવ્યું કે, આ સંદર્ભમાં સરકારી નોટિફિકેશન અપાયું છે.
શેખ હસીનાની પાર્ટી પર કેમ પ્રતિબંધ મૂકાયો?
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘નોટિફિકેશન પ્રમાણે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા તેના નેતાઓ અને કાર્યકરો સામે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ અવામી લીગ અને તેના સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, સુધારેલા આતંકવાદ વિરોધી અધિનિયમ 2025ની કલમ 18 સરકારને આતંકવાદ સંબંધિત મામલાના સંદર્ભમાં કોઈપણ સંગઠન અથવા વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. 2009ના મૂળ આતંકવાદ વિરોધી કાયદામાં “યુનિટ” પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ નહોતી. આ ઉપરાંત ચૂંટણી પંચ (EC) એ કહ્યું કે અમે અવામી લીગનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દીધું છે, જેના કારણે પાર્ટી ચૂંટણી લડવા માટે અયોગ્ય બની ગઈ છે.
અવામી લીગનું રજિસ્ટ્રેશન રદ કરાયું
સરકારી સૂચનાના કલાકો પછી ચૂંટણી પંચના સચિવ અખ્તર અહેમદે જણાવ્યું કે, ‘ગૃહ મંત્રાલયે રવિવારે બાંગ્લાદેશ અવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનોની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જ ક્રમમાં ચૂંટણી પંચે અવામી લીગનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લીધો છે.’ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એએમએમ નાસિર ઉદ્દીને બે દિવસ પહેલા પત્રકારોને કહ્યું હતું કે, ‘આપણે વર્તમાન બાંગ્લાદેશની ભાવના સાથે આગળ વધવાનો નિર્ણય લેવો પડશે.’