રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ તરફ? પુતિનના નિવેદન બાદ ઝેલેન્સ્કી પણ ખુશ

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ વાર્તા કરવા તૈયાર થયા છે

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ વાર્તા કરવા તૈયાર થયા છે. તેમણે કહ્યું કે,  આ એક સકારાત્મક સંકેત છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આ એક શુભ સંકેત છે. પરંતુ શાંતિ વાર્તા પહેલાં એક પૂર્ણ અને બિનશરતી સીઝફાયર લાગુ કરવુ જરૂરી છે. કીવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, આખી દુનિયા લાંબા સમયથી આ પળની રાહ જોઈ રહી છે. કોઈપણ યુદ્ધને વાસ્તવમાં સમાપ્ત કરવાનું પ્રથમ પગલું સીઝફાયર છે.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને શનિવારે મોડી રાત્રે મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી સીઝફાયરનો પ્રસ્તાવ ફગાવ્યો છે. તેમણે યુક્રેન સાથે ફરીથી  નવેસરથી બેઠક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 15 મેના રોજ તુર્કીના ઈસ્તંબુલમાં આ બેઠક યોજાઈ શકે છે. પુતિને કહ્યું કે, અમે કોઈપણ શરત વિના સીધો વાર્તાલાપ કરવા તૈયાર છીએ. એક સ્થાયી અને લાંબાગાળાની શાંતિ માટે આ અત્યંત જરૂરી છે. 

સીઝફાયરની કરી માગ

યુરોપિયન નેતાઓએ પણ અગાઉ રશિયા સમક્ષ 30 દિવસ માટે બિનશરતી સીઝફાયર માટે માગ કરી હતી. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડના નેતાઓએ શનિવારે કીવમાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. રશિયા પર દબાણ વધારવા માટે નવા પ્રતિબંધો લાદવાની શક્યતાઓ પણ દર્શાવી હતી. યુરોપિયન નેતાઓની આ માગને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

શરતો સ્વીકારવી પડશેઃ રશિયા

યુક્રેન અને તેના સહયોગી લાંબા સમયથી કહેતાં આવ્યા છે કે, રશિયા પહેલાં પોતાની સૈન્ય ગતિવિધિઓ સંપૂર્ણપણે અટકાવે, બાદમાં અમે વાત કરવા તૈયાર થઈશું. બીજી બાજુ રશિયા સતત યુક્રેનને પોતાની શરતોનો સ્વીકાર કરવા દબાણ કરી રહ્યું છે. જેમાં ક્રીમિયા અને અન્ય કબજા હેઠળના વિસ્તારોને રશિયાને સોંપવાની માગ સામેલ છે. રશિયા એકબાજુ શાંતિ કરાર કરવા માગે છે, તો બીજી બાજુ કીવ અને અન્ય શહેરો પર ડ્રોન વડે હુમલા પણ કરી રહ્યું છે. જેના લીધે બંને દેશો વચ્ચે અવિશ્વાસ અને તણાવ વધી રહ્યો છે.