ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે. એટલું જ નહીં કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો હતો. સંઘર્ષની પરિસ્થિતિને જોતાં ટુર પેકેજોનું ધડાધડ બુંકિંગ કેન્સલ થઈ રહ્યું છે. પરિણામે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશન સિઝન જાણે માથે પડી છે. પ્રવાસીઓમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે જુલાઈમાં શરૂ થનાર અમરનાથ યાત્રામાં બુકિંગનું પ્રમાણ ઘણું ઓછુ રહ્યું છે.
ડોમેસ્ટિક પ્રવાસોનું બુકિંગ કેન્સલ થયા
અહેવાલો અનુસાર, છેલ્લાં ત્રણેક દિવસથી ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો હતો. કાશ્મીરથી માંડીને રાજસ્થાન, ગુજરાતના કચ્છ સુધી પાકિસ્તાને ડ્રોન-મિસાઇલ એટેક કર્યા હતાં. આ તણાવની સ્થિતિ વણસતાં ટુરિઝમ ઈન્ડસ્ટ્રિઝને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ટુર ઓપરેટરોનું કહેવું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને પગલે ડોમેસ્ટિક પ્રવાસોનું બુકિંગ મોટાભાગે કેન્સલ થયું છે. રાજસ્થાન, પંજાબ, કાશ્મીર સરહદે સ્થિતિ વધુ વણસી છે. જેથી પ્રવાસીઓ આ ટુર પેકેજો તો રદ કરાવી દીધાં છે. હવે સ્થિતિ સામાન્ય થાય પછી જ લોકો ટુર પેકેજનુ બુકિંગ કરાવે તેમ છે.
હોટલ માલિકોને આર્થિક ફટકો
ઉનાળા વેકેશનમાં ફુલબુકિંગ હોય તે હોટલ-રિસોર્ટ અત્યારે ખાલીખમ પડ્યાં છે. પીક સિઝનમાં યુધ્ધની સ્થિતિ સર્જાઇ છે ત્યારે હોટલ માલિકોને આર્થિક ફટકો પડ્યો છે. ખાસ ડિસ્કાઉન્ટ ઓફર છતાં હોટલ-રિસોર્ટ ખાલી છે. હિમાચલ-ઉત્તરાખંડ, અરુણાચલ-સિક્કીમમાં જ આ સ્થિતિ પરિણમી છે. જુલાઈમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે તેમ છતાં શ્રદ્ધાળુઓ આ વર્ષે યાત્રાએ જવાનું ટાળી રહ્યાં છે. ટુર ઓપરેટરોનો અંદાજ છે કે, આ વર્ષે અમરનાથ યાત્રાએ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી ઓછી હશે. ડોમેસ્ટિકની સાથે સાથે ઈન્ટરનેશનલ ટુર પેકેજોમાં ઓછુ બુકિંગ નોધાયુ છે.
દુબઇ, સિંગાપુર, યુરોપ, મલેશિયા જેવા હોટ ડેસ્ટિનેશનના ટુર પેકેજોમાંય પ્રમાણમાં ઓછુ બુકિંગ છે. યુધ્ધની તણાવભરી સ્થિતીમાં બુકિંગ નોધાયુ હોવા છતાંય પ્રવાસીઓ ઇન્કવાયરી કરીને ટુર પેકેજોની તારીખ લંબાવી રહ્યા છે. તો ઘણાંએ ટુર પેકેજ કેન્સલ કરાવી દીધી છે. મજાની વાત તો એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનું સત્તાવાર એલાન થયાં પછીય પ્રવાસીઓ ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ પ્રવાસે જાય તેવી શક્યતા ઓછી છે.