પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છમાં ઍલર્ટ; બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ, બ્લેકઆઉટ કરાશે

PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત દેશભરના સરહદી વિસ્તારો એલર્ટ પર છે. પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં એલર્ટ જાહેર

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ Blackout નું સંપૂર્ણપણે પાલન કરવા જણાવ્યું છે. જ્યારે તણાવની સ્થિતિમાં નાગરિકોને ગભરાવ્યા વગર સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.