ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકારની ઈમર્જન્સી બેઠક, સરહદી વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા

પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશ સિંદૂર પાર પાડ્યું છે

પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશ સિંદૂર પાર પાડ્યું છે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. મોડી રાત્રે પાકિસ્તાને પંજાબ-રાજસ્થાન અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ડ્રોન એટેક અને મિસાઇલ હુમલો કરતાં કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી  વિસ્તારોને સતર્ક રહેવા આદેશ આપ્યો હતો.

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં 7 કલાક સુધી બ્લેકઆઉટ જાહેર કરાયો હતો. ત્યારે ગુજરાત રાજ્ય પણ સરહદી વિસ્તાર હોવાના કારણે પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગાંધીનગરમાં બેઠક શરૂ થઇ ગઇ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નેવી, એરફોર્સના અધિકારીઓ અને સિનિયર અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં સરહદી સીમાના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. 

અન્ય જિલ્લાઓમાં સતર્કતાને લઇને ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની અલગ-અલગ બોર્ડર જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે તે જિલ્લાઓની સુરક્ષા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાન તરફથી હુમલા બાદ ઇમરજન્સીની સ્થિતિમાં રાહત કામગીરીને લઇને કેવી તૈયારીઓ રાખવી તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

બુધવારે પણ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે. 

ગાંધીનગર કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ

બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોના લોકોને પણ યુદ્ધની સ્થિતિથી વાકેફ કરી સાવચેત કરાયાં છે. કલેક્ટર સહિત સ્થાનિક તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સરહદી વિસ્તારોની ખાનગી-સરકારી હોસ્પિટલોને પણ ડોક્ટરો,પેરા મેડિકલ સ્ટાફથી સજ્જ રખાઇ છે. દવાનો પુરતો જથ્થો મોકલી દેવાયો છે. વીજપુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રે ગોઠવી દીધી છે. પાટનગર ગાંધીનગર કંટ્રોલરૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.