ભારતે સિંધુનું પાણી રોક્યું તો અમે હુમલો કરીશું: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ધમકી

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. આ હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહી કરતા સિંધુનું પાણી રોકી દીધું છે. ત્યારે હવે આ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને પોકળ ધમકી આપી છે. એક ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે કહ્યું કે, ‘જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. આક્રમણ માત્ર ગોળીઓ દ્વારા જ નથી થતું, પાણી રોકવું એ પણ એક હુમલો છે.’
ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વણસી ગયા છે. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલ IWT (સિંધુ જળ સંધિ)ને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી સફળ જળ કરાર માનવામાં આવે છે. આ સંધિ હેઠળ ભારતને પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) પર વધુ અધિકાર મળ્યો હતો.

ભારતને અમુક શરતો હેઠળ પશ્ચિમી નદીઓ પર વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય બાંધકામ કાર્ય હાથ ધરવા માટે મર્યાદિત પરવાનગી છે. ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાની અથવા એકપક્ષીય રીતે રદ કરવાની શક્યતા અંગે પાકિસ્તાનની પ્રતિક્રિયા ગંભીર અને આક્રમક રહી છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી. ભારતે IWTને રદ કરવા ઉપરાંતપાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને વાઘા-અટારી બોર્ડર બંધ કરી દીધી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું માનવું છે કે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર અપેક્ષા મુજબ સમર્થન નથી મળી રહ્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતના આરોપોને આંતરરાષ્ટ્રીય સમુદાયે નકારી કાઢ્યા છે. મોદી સરકાર પાસે પોતાના દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
ખ્વાજા આસિફે અગાઉ પણ કહ્યું હતું કે, ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે, પરંતુ અમે ભારત સાથે યુદ્ધ શરૂ કરવા નથી માગતા. તેમણે કહ્યું કે, જો યુદ્ધની સ્થિતિ ઉભી થશે તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે. પાપાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વિશ્વ બેંકનો સંપર્ક કરશે.