અમદાવાદ મ્યુનિસિપલ તંત્રમાં ટોઈલેટ રીપેરીંગ કૌભાંડ, ટોઈલેટ,ન્યુસન્સ ટેન્કર પાછળ ચાર વર્ષમાં બે કરોડથી વધુ રકમ કોન્ટ્રાકટરોને ચૂકવાઈ

ટોઈલેટ બનાવવા એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરી કોન્ટ્રાકટરોને અલગ અલગ પેમેન્ટની ચૂકવણી કરાઈ
અમદાવાદમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટોઈલેટ રીપેરીંગનુ કૌભાંડ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યુ છે.તંત્ર દ્વારા ચાર વર્ષમાં ટોઈલેટ અને ન્યુસન્સ ટેન્કર પાછળ ચાર વર્ષમાં બે કરોડથી વધુ રકમ ખાનગી કોન્ટ્રાકટરોને ચૂકવાઈ છે.ટોઈલેટ બનાવવા એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરીને કોન્ટ્રાકટરોને અલગ અલગ પેમેન્ટની ચૂકવણી કરાઈ છે.જેમાં મોટાભાગે રીપેરીંગમાં એક જ ટોઈલેટનો રુપિયા એક લાખ કરતા વધુ ખર્ચ બતાવી બિલો ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
શુક્રવારે મળેલી મ્યુનિ.બોર્ડ બેઠકમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મધ્યઝોનના છ વોર્ડમાં બનાવાયેલા ટોઈલેટ રીપેરીંગ કૌભાંડની વિગત રજૂ કરી હતી.ઝોનના છ વોર્ડ પૈકી શાહપુર વોર્ડમાં ૧૧૫ ટોઈલેટના રુપિયા ૪.૬૦ લાખ શ્રી ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને ૨૮ જુન-૨૪ના રોજ ચૂકવાયા હતા.દરિયાપુર વોર્ડમાં ૪૬૬ ટોઈલેટના રુપિયા ૧૮.૬૪ લાખ ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને ચૂકવાયા હતા.જમાલપુર વોર્ડમાં ૮૫૦ ટોઈલેટના રુપિયા ૩૪ લાખ ચૂકવાયા હતા.કોર્પોરેટરે કહયુ,તેમને આપવામાં આવેલી માહીતી મુજબ, મધ્યઝોનના આ ત્રણ વોર્ડમાં ૨૧૮ ટોઈલેટ આવેલા છે.તો બાકીના ટોઈલેટ કેવી રીતે આવ્યા?સંખ્યા બતાવીને મોટી રકમ કોન્ટ્રાકટરોને ચૂકવવામાં આવી હોય તો દરેકમાં સ્થળના ફોટા સાથે તમામ વિગત રજૂ કરવી જોઈએ.જરુરી કાર્યવાહી કરી જવાબદાર કોન્ટ્રાકટર અને એજન્સી સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.કુલ ૧૪૩૧ ટોઈલેટ માટે રુપિયા ૧.૭૧ કરોડથી વધુનો ખર્ચ ચૂકવી દેવાયો છે.જેની વિજિલન્સ તપાસ થવી જોઈએ.પબ્લિક ટોઈલેટની સફાઈ માટે ન્યુસન્સ ટેન્કર પણ સમયસર મોકલવામાં આવતી નથી.૩૧જાન્યુઆરી સુધીમાં મધ્યઝોનમાં રુપિયા ૬૮ લાખ ન્યુસન્સ ટેન્કર માટે ખાનગી કોન્ટ્રાકટરોને ચૂકવવામાં આવ્યા હતા.ન્યુસન્સ ટેન્કર મોકલાતી ના હોય તો આટલી મોટી રકમ ચૂકવાઈ કઈ રીતે.સ્વ.અશોકભટ્ટ ફલાયઓવરબ્રિજની બાજુમાં,નીચે,આજુબાજુમાં એમ સ્થળ બતાવી કોન્ટ્રાકટરોને અલગ અલગ પેમેન્ટ ચૂકવવામાં આવ્યા હતા.
રાયખડમાં એક જ કામગીરી માટે બે કોન્ટ્રાકટરોને પેમેન્ટ કરાયા
રાયખડમાં આવેલા જીમ્નેશિયમ તથા બિલ્ડિંગ રીપેરીંગ માટે વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૩-ડી હેઠળ વિશ્વા ડેવલપર્સ નામની એજન્સીને રુપિયા ૭.૧૨ લાખ રુપિયા ૨૪ જુન-૨૪ના રોજ ચૂકવાયા હતા.આજ કામ માટે ઝેડ.એસ.કન્સ્ટ્રકશનને રેવન્યુ બજેટ હેડ હેઠળ રુપિયા ૭.૧૨ લાખ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઠરાવથી ૨૪ જુન-૨૪ના રોજ ચૂકવાયા હતા.ખરેખર બે એજન્સીમાંથી કઈ એજન્સીએ કામગીરી કરી હતી એ અંગે ફોટા તથા મેજરમેન્ટ બુક સાથે વિજિલન્સ તપાસ કરવા ઉપરાંત આ પ્રકારે બે વાર પેમેન્ટ કરાયા હોય તેવી એજન્સી કે કોન્ટ્રાકટરોની તપાસ કરી જે એજન્સીએ કામગીરી ના કરી હોય તેની પાસેથી રીકવરી કરવા રજૂઆત કરાઈ હતી.