ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ જે એરપોર્ટ્સને હંગામી ધોરણે બંધ કરી દીધા હતા, તે હવે ફરીથી તાત્કાલિક ખોલવામાં આવી રહ્યા છે. સોમવારે મોહાલી સ્થિત શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ થઇ ગઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતના 7 સહિત ભારતના બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટને ફરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી રહ્યા છે અને આ સાથે પેસેન્જર વિમાન માટે એરસ્પેસ પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પહેલાં 7મે ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર અંતગર્ત હુમલા કર્યા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ થયો હતો. જોકે 10મેના રોજ બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી યુદ્ધ વિરામ થયો હતો, જોકે પાકિસ્તાન દ્વારા ફરી સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ભારત સરકારે કડક સંદેશ જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં 32 એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી ખુલી ગયા છે. જોકે એરસ્પેસ પર આ અંકુશ લાદવાનો નિર્ણય શનિવાર સવાર સુધી લાગુ હતો, પરંતુ પછી તેને 15મે સુધી સવાર 5:29 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. જે બાદ આજે તમામ ચેતવણીઓ પાછી ખેંચી લેવામાં આવી છે.
હવે આ એરપોર્ટને ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે. ફરી શરૂ કરાયેલા એરપોર્ટમાં તેમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઇસ, ઉત્તરલાઇ અને લુધિયાણાનો સમાવેશ થાય છે.