ગુજરાતને 5,950 કરોડના વિકાસકાર્યોની દિવાળી ભેટ
PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે PM મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા હતા. જે બાદ PM મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5,950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજાયો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ખેરાલુમાં તેમણે સંબોધનમાં જણાવ્યુ હતુ કે, મા અંબાના ચરણોમાં આશીર્વાદ લેવાનો મને આજે મોકો મળ્યો છે. અંબાજી સ્થાનની રોનક જોઈને આનંદ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંબોધનમાં જણાવ્યુ હતુ કે, અહીં આવ્યા પછી શાળા સમયના કેટલાક મારા ગોઠિયાના ચહેરાઓ પણ જોવા મળ્યા છે. આપ સૌના દર્શન કરવાની મને આશા હતી. તેમણે જણાવ્યુ કે ઘર આંગણે આવીએ એટલે સ્મરણો તાજા થાય. જે ધરતી અને લોકોએ મને ઘડ્યો છે, એનો ઋણ સ્વીકાર કરવાનો જ્યારે મોકો મળે એટલે સંતોષ થાય જ. આજે વતનની મુલાકાત ઋણ સ્વીકાર કરવાનો મારા માટે અવસર છે.
વડાપ્રધાને જણાવ્યુ કે, આજે અને કાલે બંને દિવસ પ્રેરક દિવસો છે. વડાપ્રધાને ગોવિંદ ગુરુજીની પુણ્ય તિથિ નિમિત્તે તેમને યાદ કર્યા અને કહ્યુ તેમણે આઝાદીના જંગમાં આદિવાસીઓને નેતૃત્વ આપ્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. ગોવિંદ ગુરુજીનું આખુ જીવન સંઘર્ષ અને રાષ્ટ્ર ભક્તિમાં વીત્યું હતું.ગોવિંદ ગુરુજી બલિદાનીઓના પ્રતિક બની ગયા છે.
તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, ગુજરાતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિશેષ છે. રાજ્યમાં ડેરી ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી છે. ડેરીઓનું સંચાલન મહિલાઓના પરીશ્રમને આભારી છે. રાજ્યની મહિલાઓ રૂ.50 લાખ કરોડનો દૂધનો વેપાર કરે છે. 20 વર્ષમાં ગ્રામ્યકક્ષાએ ડેરીઓની સમિતિ બનાવી છે. સૂર્યશક્તિનો મોટો ફાયદો ઉત્તર ગુજરાતને થયો છે. ઉત્તર ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગો આવવાથી વિકાસ થયો છે. અન્ય રાજ્યના લોકો ઉત્તર ગુજરાતમાં નોકરી માટે આવે છે. ઉત્તર ગુજરાતમાં ટુરિઝમની અપાર શક્તિઓ રહેલી છે. કાશી બાદ વડનગર એવું સ્થળ જ્યાં લોકો ફરવા આવે છે.