અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનો મોટો નિર્ણય
સરકાર દ્વારા તાજેતરમાં ફીક્સ પગારના કર્મચારીઓને મોટી ભેટ આપતા પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગના ફીક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ હવે અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકાએ પણ પોતાના ફીક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પગલે મહાનગર પાલિકાએ પણ કર્મચારીઓનો પગાર વધારવા માટે આદેશ કર્યો છે.
અમદાવાદ મનપાએ આપેલી માહિતી પ્રમાણે વર્ગ-3 અને વર્ગ-4ના ફીક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકામાં કાર્યરત કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ ઓક્ટોબર મહિનાથી મળશે. મહાનગર પાલિકાની જાહેરાત બાદ ફીક્સ પેના કર્મચારીઓને 5 હજારથી લઈને 10000 જેટલ વધારો મળશે.
વડોદરા મહાનગર પાલિકાએ પણ ફીક્સ પગારના વર્ગ 3 અને 4ના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મહાનગર પાલિકાએ માહિતી આપી છે કે ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે વડોદરા મનપામાં કામ કરતા ફીક્સ પેના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.