ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત

ફાઈબરનેટ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત આપી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ થશે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 નવેમ્બરે થશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુ આ દિવસોમાં સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં જેલમાં છે.

કોર્ટે નોટિસ પણ બહાર પાડી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી દરમિયાન અરજી પર નોટિસ જારી કરી હતી. તે દરમિયાન પણ કોર્ટે કહ્યું હતું કે, હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ કરી શકાય નહીં. આ કેસમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડુને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આંધ્ર પ્રદેશ સરકારના વકીલે પણ નોટિસ સ્વીકારી હતી. સરકારે ખાતરી આપી હતી કે રાજ્ય આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડ નહીં કરે.

પોલીસે કોર્ટમાં આ વાત કહી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ આંધ્ર પ્રદેશ પોલીસે કોર્ટને કહ્યું હતું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરશે નહીં. ચંદ્રબાબુ નાયડુની 18 ઓક્ટોબર સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. આંધ્રપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બેંચને જણાવ્યું હતું કે, રાજ્ય નીચલી કોર્ટમાંથી આ કેસમાં મુલતવી રાખવાની માંગ કરશે, જ્યાં નાયડુને 16 ઓક્ટોબરે રજૂ કરવામાં આવનાર છે.

વિજયવાડામાં સ્પેશિયલ એન્ટી કરપ્શન બ્યુરો કોર્ટે 12 ઓક્ટોબરે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું અને રાજ્ય પોલીસને નાયડુને 16 ઓક્ટોબરે તેની સમક્ષ હાજર કરવા જણાવ્યું હતું. બેન્ચે નાયડુની તાજી અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી, જેમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને હાઈકોર્ટના 9 ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો, જેણે ફાઈબરનેટ કેસમાં તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

નાયડુએ પોતાની અરજીમાં કહ્યું હતું કે 16 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થયા બાદ તેમને ધરપકડનો ડર છે. ફાઈબરનેટ કેસ તેની પસંદગીની કંપનીને રૂ. 330 કરોડના ‘એપી ફાઈબરનેટ’ પ્રોજેક્ટના તબક્કા-1 હેઠળ વર્ક ઓર્ડર ફાળવવામાં ટેન્ડરમાં કથિત હેરાફેરી સાથે સંબંધિત છે.