ISRO પ્રમુખ સોમનાથનું મોટું નિવેદન

અમેરિકાની રોકેટ વૈજ્ઞાનિકોની ટીમે ભારતને ચંદ્રયાન 3ની ટેક્નોલોજી અને સાધનો શેર કરવા વિનંતી કરી હતી. ઈસરોના વડા એસ સોમનાથે રવિવારે આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભારતના રોકેટ અને અવકાશ ઉપયોગી સાધનો અને ટેકનોલોજીની પ્રશંસા કરી રહ્યું છે. આને વધુ વેગ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે પણ ખોલ્યું છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની 92મી જન્મજયંતિ નિમિત્તે સોમનાથે ચંદ્રયાન અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે રસપ્રદ માહિતી તેમના નામ પર રાખવામાં આવેલા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં આવેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આપી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન 3ની ડિઝાઈન અને ડેવલપમેન્ટ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસાની જેટ પ્રોપલ્શન લેબ (JPL)ના 5-6 નિષ્ણાતો ઈસરોના આમંત્રણ પર ઈસરોના હેડક્વાર્ટરમાં આવ્યા હતા.

આજે 5 ભારતીય કંપનીઓ રોકેટ-સેટેલાઇટ બનાવી રહી છે
સોમનાથે કહ્યું, તમે જોઈ શકો છો કે જમાનો બદલાઈ ગયો છે. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ સાધનો, રોકેટનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ જ કારણસર પીએમ નરેન્દ્ર મોદીએ સ્પેસ સેક્ટરને દરેક માટે ખોલ્યું છે. ચેન્નાઈમાં અગ્નિકુલ અને હૈદરાબાદમાં સ્કાયરૂટ સહિત ઓછામાં ઓછી 5 ભારતીય કંપનીઓ આજે રોકેટ અને ઉપગ્રહો બનાવી રહી છે.

PM એ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામને શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાણીતા વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ લખ્યું, ‘પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર નિર્માણમાં તેમનું અનન્ય યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

ચંદ્રયાન-10માં ભારતીયનું ચંદ્ર પર ઉતરાણ કરવાનું સપનું
સોમનાથે વિદ્યાર્થીઓને ડો.કલામના શબ્દોમાં કહ્યું કે, તમે જાગતા હોવ ત્યારે સ્વપ્ન જુઓ, રાત્રે નહીં. તેમણે કહ્યું કે, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પછી પીએમ મોદીએ પૂછ્યું હતું કે આપણે કોઈ ભારતીયને ચંદ્ર પર ક્યારે લેન્ડ કરી શકીએ? તેમણે કહ્યું કે, કદાચ આ કાર્ય આ કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીઓ કરી શકે.

કદાચ તમારામાંથી કેટલાક ચંદ્ર પર જવા માટે રોકેટ ડિઝાઇન કરશે, કદાચ તમારામાંથી કેટલાક ચંદ્રયાન 10ના રોકેટમાં પણ બેઠા હશે. તે વાહનમાં એક મહિલા અવકાશયાત્રી પણ હોઈ શકે છે, તે ભારત દ્વારા ચંદ્ર પર ઉતરેલી પ્રથમ મહિલા બની શકે છે.