કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ બે આતંકવાદીઓ ઠાર

મંગળવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આતંકવાદીઓ 28 ફેબ્રુઆરીએ કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મરફત મકબૂલ અને જાજીમ ફારૂક અબરાર તરીકે થઈ છે. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, અલ્શીપોરામાં સવારે શરૂ થયેલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન આ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.

માર્યા ગયેલા બે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે.પોલીસે જણાવ્યું કે, જિલ્લાના અલશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ દરમિયાન અથડામણ થઈ હતી. કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસે દાવો કર્યો હતો કે લશ્કર-એ-તૈયબાના બે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક આ વર્ષની શરૂઆતમાં બેંક સુરક્ષા ગાર્ડ સંજય શર્માની હત્યામાં સામેલ હતો.અધિક પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર ઝોન) વિજય કુમારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સંગઠનના મોરીફત મકબૂલ અને જાજીમ ફારૂક ઉર્ફે અબરાર તરીકે ઓળખાય છે. આતંકવાદી અબરાર કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો.