ગાઝા પટ્ટીની આસપાસ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળ્યા: ઇઝરાયેલ

ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, હમાસ વિરુદ્ધના અભિયાનમાં ગાઝાની સંસદ અને નાગરિક મંત્રાલય તેના નિશાન છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી, બંને પક્ષે જાનમાલના નુકસાનની હદ વિશે કોઈ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે, ગાઝા પટ્ટીની આસપાસ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, ઈઝરાયેલમાં હજુ પણ ઘણા પેલેસ્ટાઈન ગનમેન મોજૂદ છે. ઈઝરાયેલે ગાઝામાં 20થી વધુ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ગાઝા તરફથી પણ ઈઝરાયેલ પર રોકેટ હુમલા ચાલુ છે.

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટે જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીની આસપાસ ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓના લગભગ 1,500 મૃતદેહો મળી આવ્યા છે. સુરક્ષા દળોએ ગાઝા સાથેની સરહદ પર નિયંત્રણ પુનઃસ્થાપિત કર્યું છે. અમારી માહિતી અનુસાર, છેલ્લાં સમયથી કોઈએ સરહદ પાર કરી નથી. ત્યાં કોઈ ઘૂસણખોરી થઈ નથી, પરંતુ ઘૂસણખોરી હજી પણ થઈ શકે છે.” તેમણે કહ્યું કે, સેનાએ સરહદની આસપાસના તમામ સમુદાયના લોકોને બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે.

શનિવારે હમાસે અચાનક હજારો રોકેટ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ પછી હમાસના આતંકવાદીઓ સરહદો તોડીને ઈઝરાયેલમાં ઘૂસ્યા અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. સેંકડો લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 687 લોકો માર્યા ગયા છે.