ભૂકંપ પીડિતોની મદદે રાશિદ ખાન

અફઘાનિસ્તાનનો સ્પિન બોલર રાશિદ ખાન વિશ્વનો લોકપ્રિય અને મહાન બોલર છે. તે જેટલો સારો બોલર છે તેટલો જ સારો વ્યક્તિ પણ છે. આ વાતની સાબિતી તે ઘણીવાર પોતાના સારા સ્વભાવથી આપે છે, પરંતુ આજે તેણે તેનો વધુ એક પુરાવો આપ્યો છે. વાસ્તવમાં રાશિદ ખાને વર્લ્ડ કપમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરવાની જાહેરાત કરી છે. તેણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત પીડિતોની મદદ માટે પોતાના પૈસા દાનમાં આપ્યા છે.

રાશિદ ખાને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આની જાહેરાત કરી છે. તેણે એક પોસ્ટમાં લખ્યું, “અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંતો (હેરાત, ફરાહ અને બડગીસ)માં આવેલા ભૂકંપના દુ:ખદ પરિણામો વિશે સાંભળીને હું ખૂબ જ દુખી છું. હું ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે મારા તમામ પ્રયાસો સમર્પિત કરી રહ્યો છું. અમે ટૂંક સમયમાં ફંડ રેસિંગ અભિયાન શરૂ કરીશું, જેના દ્વારા અમે પીડિતોને મદદ કરી શકે તેવા લોકોની મદદ લઈશું.

હકીકતમાં, અફઘાનિસ્તાનમાં શનિવારે એક ભયંકર ભૂકંપ આવ્યો, જેણે ચારેબાજુ તબાહીનું દ્રશ્ય ફેલાઈ ગયું. અફઘાનિસ્તાનમાં હાજર તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત થયા છે, 9000થી વધુ લોકો ઘાયલ થયા છે, અને 1300થી વધુ ઘરો ધરાશાયી થયા છે. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપના કારણે માર્યા ગયેલા અને ઘાયલ લોકોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, અફઘાનિસ્તાનનો સુપરસ્ટાર રાશિદ ખાન હાલમાં ભારતમાં ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહ્યો છે, પરંતુ તે પોતાના દેશવાસીઓ માટે ખૂબ જ ચિંતિત છે, અને તેથી તેણે વર્લ્ડ કપમાંથી તેની સંપૂર્ણ મેચ ફી દાન કરવાનો નિર્ણય કર્યો છે.