મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ
મહારાષ્ટ્રના નાંદેડ અને ઔરંગાબાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ગયા છે. નાગપુરની મેડિકલ કોલેજ અને ઈન્દિરા ગાંધી સરકારી કોલેજમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકોમાંથી 16 દર્દી સરકારી મેડિકલ કોલેજ અને 9 દર્દી ઈન્દિરા ગાંધી સરકારી કોલેજના છે.
સંભાજીનગર હોસ્પિટલમાં 18 દર્દીઓના મોત હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, '2 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાથી 3 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાની વચ્ચે છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 18 મૃત્યુ નોંધાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જીએમસીએચમાં નોંધાયેલા 18 મૃત્યુમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, 'જે 18 લોકોના જીવ ગયા તેમાંથી બે દર્દીઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા, જ્યારે બે અન્ય લોકો ન્યુમોનિયાથી પીડિત હતા. જીવ ગુમાવનારા અન્ય ત્રણ દર્દીઓ કિડની ફેલ્યોર અને અન્ય એક દર્દી લિવર ફેલ્યોરથી પીડિત હતા. લિવર અને કિડની ફેલ થવાના કારણે અન્ય એક દર્દીનું મોત થયું હતું. માર્ગ અકસ્માત, ઝેરી પદાર્થ અને એપેન્ડિક્સ ફાટવાથી એક-એક વ્યક્તિના મોતના સમાચાર છે. નાંદેડની હોસ્પિટલમાં 31 દર્દીઓએ જીવ ગુમાવ્યો બીજી તરફ, રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 12 શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલના એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે, જ્યારે 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે સરકારી હોસ્પિટલમાં 11 શિશુઓ મૃત્યુ પામ્યા હતા, ત્યારે કુલ 65 દર્દીઓની સારવાર 24 પથારીની મંજૂર ક્ષમતા સામે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં કરવામાં આવી રહી હતી.