ઉજ્જૈનમાં બનશે એક ખાસ ટનલ

ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે મહાકાલ મંદિર પ્રશાસનને દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ પડકારોનો સામનો કરવા માટે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં એક ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલ દ્વારા દરરોજ લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે શ્રી મહાકાલ મહાલોક કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભક્તોની સંખ્યામાં સતત વધારો થયો છે.

હાલમાં દરરોજ બે લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે

ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર પુરુષોત્તમે કહ્યું કે, હાલમાં દરરોજ બે લાખ શ્રદ્ધાળુઓ સરળતાથી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી શકે છે. જો કે, તહેવારો દરમિયાન જ્યારે દરરોજ ભક્તોની સંખ્યા ત્રણ લાખની આસપાસ પહોંચી જાય છે, ત્યારે ભીડને નિયંત્રિત કરવી અમારા માટે સરળ નથી. તેમણે કહ્યું કે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધા માટે મહાકાલેશ્વર મંદિરમાં એક ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે. પુરૂષોત્તમના જણાવ્યા અનુસાર, “આ ટનલના નિર્માણ પછી, લગભગ આઠ લાખ ભક્તો દરરોજ સરળતાથી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી શકશે.”

242.35 કરોડના ખર્ચે બીજા તબક્કાનું કામ થશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે વધી રહેલા ઉત્તેજના વચ્ચે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 5 ઓક્ટોબર (ગુરુવારે) “શ્રી મહાકાલ મહાલોક કોરિડોર” ના બીજા તબક્કા હેઠળ 242.35 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા કામોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.તેમણે કહ્યું કે તેમાં નીલકંઠ વિસ્તાર, શક્તિપથ, અન્ના વિસ્તાર, મહારાજવાડા સંકુલ અને છોટા રુદ્રસાગરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે, જેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરિડોર પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ, મહાકાલેશ્વર મંદિર પરિસરમાં એક વિશેષ સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં હજારો ભક્તો આ મંદિરના શિખરનાં દર્શન કરી શકશે.

AIથી સજ્જ 700 કેમેરા લગાવવામાં આવશે

મહાકાલેશ્વર મંદિર સમિતિના પ્રશાસક સંદીપ કુમાર સોનીએ જણાવ્યું કે, કોરિડોર પ્રોજેક્ટ હેઠળ આ ધાર્મિક સંકુલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ લગભગ 700 કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ કેમેરા અત્યાધુનિક કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે, જેના દ્વારા મહાકાલેશ્વર મંદિર અને મહાકાલ મહાલોકનું સતત મોનિટરિંગ અને ભીડ વ્યવસ્થાપન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2022ના રોજ “શ્રી મહાકાલ મહાલોક” કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.